Advertisement

  • રેસીપી- પૌષ્ટિક મીઠાઇ સ્વાદિષ્ટ બદામની બરફી

રેસીપી- પૌષ્ટિક મીઠાઇ સ્વાદિષ્ટ બદામની બરફી

By: Jhanvi Sun, 15 Apr 2018 6:46 PM

રેસીપી- પૌષ્ટિક મીઠાઇ સ્વાદિષ્ટ બદામની બરફી

બરફી આમ તો બધાને લલચાવે એવી મીઠાઇ છે, પછી તે ભલે તે નાના ભુલકાઓ હોય કે પછી મોટા લોકો હોય. પણ આપણામાંથી ઘણા લોકો ને બરફી ખાવાની ઇચ્છા હોવા છતાં ખાવાનું ટાળીએ છે. કારણકે તેમાં ભરપૂર કેલરી હોય છે. અહીં બતાવેલી આ પૌષ્ટિક બદામની બરફી ક્યારેક ક્યારેક પ્રસંગોપાત માણી શકાય એવી છે. પ્રોટીનયુક્ત બદામ વડે બનતી આ બરફીમાં બહુ થોડી માત્રામાં સાકર અને ઘી નો ઉપયોગ કરવામાં આવ્યો છે, આમ છતાં આ બરફીમાં જોઇએ તેટલી મીઠાશ પણ છે અને સાથે સ્વાદ પણ મજેદાર છે. આ સ્વાદનું કારણ છે, તેમાં ઉમેરવામાં આવેલું કેસર અને એલચીનું પાવડર. આ સ્વાદિષ્ટ બદામની બરફી હવાબંધ ડબ્બામાં ભરી સામાન્ય તાપમાન પર ત્રણ થી ચાર દીવસ તાજી રહે એવી બને છે. અન્ય પૌષ્ટિક મીઠાઇઓ જેવી કે મખાનાની ખીર અથવા જુવાર-સફરજનનો શીરો પણ અજમાવવા જેવી છે.

સામગ્રી

૩/૪ કપ બદામ
૧/૨ કપ ગાયનું દૂધ
થોડા કેસરના રેસા
૧ ટીસ્પૂન હુંફાળું ગરમ ગાયનું દૂધ
૧ ૧/૨ ટેબલસ્પૂન ઘી
૨ ટેબલસ્પૂન સાકર
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર


પદ્ધતિ

1. એક ઊંડા બાઉલમાં ગરમ પાણીમાં બદામ ઉમેરી, તેને ઢાંકીને ૨ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
2. તે પછી બદામની છાલ કાઢી લો.
3. આ બદામને દૂધ સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
4. એક નાના બાઉલમાં હુંફાળા ગરમ દૂધમાં કેસર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
5. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં બદામની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
6. તે પછી તેમાં સાકર અને એલચીનું પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
7. આમ તૈયાર થયેલા મિશ્રણને તરત જ ઘી ચોપડેલી ડીશમાં સરખી રીતે પાથરીને તેને ચોરસ આકાર આપો.
8. ચાકુ વડે તેના ૧૮ સરખા ટુકડા પાડો.
9. બરફીને ઠંડી થવા ૩૦ મિનિટ બાજુ પર રાખો.
10. તે પછી તેને પીરસો અથવા હવાબંધ બરણીમાં મૂકી જ્યારે જરૂર પડે ત્યારે તેની મજા માણો.