Advertisement

  • રેસીપી- બાળકો માટે ખાસ કેળાના ઉત્તાપા

રેસીપી- બાળકો માટે ખાસ કેળાના ઉત્તાપા

By: Jhanvi Mon, 02 Apr 2018 6:48 PM

રેસીપી- બાળકો માટે ખાસ કેળાના ઉત્તાપા

આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે.

અન્ય ઉત્તાપાની જેમ આ ઉત્તાપામાં પણ ચોખા અને અડદની દાળના ખીરાનો ઉપયોગ થાય છે. પણ તેમાં આથો આવ્યા પછી તેને વધુ પોષક બનાવવા તેમાં છૂંદેલા કેળા ઉમેરવામાં આવ્યા છે જે તેને સ્વાદિષ્ટ તો બનાવેજ છે પણ સાથે-સાથે વધુ મુલાયમ પણ બનાવે છે.

સામગ્રી

૧/૨ કપ છૂંદેલા કેળા
૩/૪ કપ ચોખા
૧/૪ કપ અડદની દાળ
૧/૨ ટીસ્પૂન મેથીના દાણા
૨ ટેબલસ્પૂન પીસેલી સાકર
મીઠું , સ્વાદાનુસાર
ઘી , રાંધવા માટે
૮ ટીસ્પૂન ખમણેલું નાળિયેર

વિધિ
1. એક ઊંડા બાઉલમાં ચોખા, અડદની દાળ અને મેથીના દાણા જરૂરી પાણી સાથે ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
2. આ મિશ્રણમાં લગભગ ૩/૪ કપ પાણી મેળવી, મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
3. આ પેસ્ટને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
4. તે પછી બાઉલને ઢાંકીને આથો આવવા માટે ૧૦ થી ૧૨ કલાક માટે રહેવા દો.
5. હવે જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં છૂંદેલા કેળા અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટી તેને મલમલના કપડા વડે સાફ કરી લો.
7. હવે એક કડછી ભરી ખીરૂ તવા પર રેડી તેને ગોળકારમાં ફેરવી ગોળ ઉત્તાપા બનાવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
8. તેની કીનારીઓ પર થોડું ઘી સરખી રીતે રેડી, તેની ઉપર ૧ ટીસ્પૂન નાળિયેર છાંટીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
9. તેને ઉથલાવીને તેની બીજી બાજુ હળવા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાંધી લો.
10. આ પ્રમાણે બાકીના ઉત્તાપા તૈયાર કરો.
11. તરત જ પીરસો.