Advertisement

  • રેસીપી - બાળકોને પીરસવાની આ વાનગી બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો

રેસીપી - બાળકોને પીરસવાની આ વાનગી બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો

By: Jhanvi Sat, 26 May 2018 7:33 PM

રેસીપી - બાળકોને પીરસવાની આ વાનગી બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટો

બાફેલા બટાટામાં વિપુલ પ્રમાણમાં ઊર્જા રહેલી છે અને તેને બાળકોને ગમે તે રીતે આપીએ તો તેઓ ખાવાની ના નહીં પાડે. પણ, જો તમે તેઓને વારંવાર બાફેલા બટાટાના માવામાં મીઠું-મરી મેળવી ખવડાવતા રહેશો તો એક દીવસ તેઓ જરૂર કંટાળી જશે. અનેકવાર તમને તેમાં ફેરફારવાળી નવી વસ્તુ બનાવવાનો વિચાર આવતો હોય ત્યારે સામાન્ય શાકભાજી સાથે કંઇ બનાવીને બાળકોને પીરસવાની ઇચ્છા થતી હોય. અહીં બાફેલા બટાટાની એક આકર્ષક રીત રજૂ કરી છે જેમાં બટાટાની અંદર જગ્યા પાડી તેમાં તીખા સ્વાદવાળું શાકનું પૂરણ ભરી તેની ઉપર ચીકણું ક્રીમ ચીઝ પાથરીને આ વાનગી તૈયાર કરી છે જે બાળકોને એવી ભાવશે કે આ બીન્સ્ એન્ડ ક્રીમ ચીઝ પોટૅટોનો એક કોળિયો ખાતાની સાથે તે ક્યારે આખું ખાઇ ગયા તેની તમને જાણ પણ નહીં થાય.


સામગ્રી

બટાટા માટે
૪ છાલ સાથે બાફેલા બટાટા

બીન્સ્ ના ટોપીંગ માટે
૩/૪ કપ બેક્ડ બીન્સ્
૧ ટેબલસ્પૂન માખણ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટેબલસ્પૂન ટમેટો કેચપ
મીઠું , સ્વાદાનુસાર

મિક્સ કરીને ક્રીમ ચીઝનું મિશ્રણ તૈયાર કરવા માટે
૧/૨ કપ જેરી લીધેલું ઘટ્ટ દહીં
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૧/૪ કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે


કોથમીરની ડાળખી


વિધિ

બટાટા માટે

1. દરેક બટાટાના આડા બે ટુકડા કરી લો.

2. દરેક ભાગની મધ્યમાં ચમચા વડે નાનો ઊંડો ખાડો પાડી લો જેથી તેમાં પૂરણ ભરી શકાય. તે પછી તેને બાજુ પર રાખો.


બીન્સ્ ના ટોપીંગ માટે


1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.

2. તે પછી તેમાં બેક્ડ બીન્સ્, મરચાં પાવડર, ટમેટા કેચપ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

3. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત


1. બટાટાના દરેક ભાગમાં તૈયાર કરેલા બીન્સ્ ના ટોપીંગનો એક એક ભાગ ભરી તેની પર એક ચમચા જેટલું ક્રીમ ચીઝ પાથરી લો.

2. કોથમીરની ડાળખી વડે સજાવીને તરત જ પીરસો.