Advertisement

  • રેસીપી - સવારનો એક મનપસંદ નાસ્તાની વાનગી લીલા વટાણાના પૌવા

રેસીપી - સવારનો એક મનપસંદ નાસ્તાની વાનગી લીલા વટાણાના પૌવા

By: Jhanvi Wed, 06 June 2018 2:49 PM

રેસીપી - સવારનો એક મનપસંદ નાસ્તાની વાનગી લીલા વટાણાના પૌવા

લોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સાથે નાસ્તો કરવામાં. સામાન્ય રીતે બટેટા પૌવા વધારે લોકપ્રિય છે પણ ફાઇબરથી સંપન્ન લીલા વટાણા ને લીધે લીલા વટાણાના પૌવા વધારે આરોગ્યવર્ધક વિકલ્પ છે. લીંબુના રસમાં રહેલા વિટામિન સી ને કારણે પૌવામાં રહેલા લોહતત્વ સારી રીતે શોષાઇ જાય છે અને તમને ખાતરીથી પોષક તત્વો મળી રહે છે. સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક એવા લીલા વટાણાના પૌવા જરૂરથી અજમાવવાં જેવા છે.

સામગ્રી

૨ કપ જાડા પૌવા
૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઇ
૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ બાફેલા લીલા વટાણા
મીઠું , સ્વાદાનુસાર
૩/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન સાકર
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન દૂધ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર



વિધિ

- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
- જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં હીંગ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- હવે તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં લીલા વટાણા, ૨ ટેબલસ્પૂન પાણી, મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી - મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.- હવે જાડા પૌવાને એક ચારણીમાં કાઢી વહેતા પાણી નીચે થોડી સેકંડ સુધી રાખો. હવે તેને સારી રીતે ઉછાળીને વધારાનું પાણી કાઢી નાખો.
- લીલા વટાણાના મિશ્રણમાં ધોયેલા અને નીતારેલા પૌવા, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, સાકર, લીંબુનો રસ, દૂધ અને થોડું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી ઠંડું પડવા બાજુ પર રાખો.