Advertisement

  • રેસીપી - સવારની એક ઉત્તમ શરૂઆત કરો આ મસાલા ચીઝ ટોસ્ટ સાથે

રેસીપી - સવારની એક ઉત્તમ શરૂઆત કરો આ મસાલા ચીઝ ટોસ્ટ સાથે

By: Jhanvi Wed, 06 June 2018 7:02 PM

રેસીપી - સવારની એક ઉત્તમ શરૂઆત કરો આ મસાલા ચીઝ ટોસ્ટ સાથે

ઘઉંના બ્રેડ અને વિટામિનથી ભરપૂર શાક અને કૅલ્શિયમથી ભરપૂર ચીઝના ટોપિંગ સાથે બનતા આ મસાલા ચીઝ ટોસ્ટનો નાસ્તો સવારની એક ઉત્તમ શરૂઆત બને છે અથવા દિવસના કોઇપણ સમયે મનગમતો નાસ્તો બનશે. મસળેલા બટાટાને લીધે ટોસ્ટનું પૂરણ છુટુ પડતું નથી અને ખાવામાં પણ નરમ લાગે છે. આ ટોસ્ટને જરૂર પૂરતું બેક કરો અને ગરમ ગરમ પીરસો.

સામગ્રી

૪ વધેલી ઘઉંના બ્રેડની સ્લાઇસ
૪ ટીસ્પૂન ખમણેલું મોઝરેલા ચીઝ
૨ ટીસ્પૂન તેલ
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ઝીણા સમારેલા અને બાફેલા મિક્સ શાકભાજી (કોબી , ફૂલકોબી , લીલા વટાણા , ફણસી અને સીમલા મરચાં)
૧/૪ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૨ ચપટીભર ગરમ મસાલો
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

વિધિ

- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- હવે તેમાં મિક્સ શાકભાજી, બટેટા, લીલા મરચાં, લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો, કોથમીર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.- ઉપર પ્રમાણે તૈયાર થયેલ ટોપિંગના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- પોપ-અપ ટોસ્ટરમાં બધી બ્રેડની સ્લાઇસને સહેજ કરકરી થાય ત્યાં સુધી ટોસ્ટ કરી લો.
- બધી ટોસ્ટ કરેલી બ્રેડની સ્લાઇસને સાફ અને સૂકી જગ્યા પર મૂકી, ટોપિંગનો એક ભાગ દરેક બ્રેડ પર મૂકી સરખી રીતે પાથરી લો.
- હવે દરેક બ્રેડ પર ૧ ટીસ્પૂન ચીઝ ભભરાવી, આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે)ના તાપમાન પર ૫ મિનિટ સુધી અથવા ચીઝ પીગળે ત્યાં સુધી બેક કરી લો.
- ગરમ ગરમ પીરસો.