Advertisement

  • રેસીપી - મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે

રેસીપી - મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે

By: Jhanvi Fri, 13 July 2018 07:50 AM

રેસીપી  - મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે

શું તમે ફૂલકોબીના પાન વડે મોઢામાં પાણી છૂટી જાય એવો નાશ્તો બનાવવાનો ક્યારે વિચાર કર્યો છે? ચાલો ત્યારે, અહીં મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે બનાવવામાં આવ્યા છે. ફૂલકોબીના પાન લોહનું એક ઉત્તમ સ્ત્રોત છે, જે આપણને દિવસભર સ્ફૂર્તિલા રહેવામાં મદદરૂપ બને છે.

આમ તો આ મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે બનાવવામાં સરળ છે, પણ તેને બનાવવા માટે થોડી પૂર્વ તૈયારી કરવી પડે છે, કારણકે અહીં દાળ પલાળવાની હોય છે. આ અપ્પે પીરસવાના સમય એ જ બનાવવા, કારણકે થોડા સમયમાં જ તે કડક થઈ જાય છે.

સામગ્રી


૧/૨ કપ પીળી મગની દાળ
૧/૪ કપ ઝીણાં સમારેલા ફૂલકોબીના પાન
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન શેકેલું જીરૂં
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે

પીરસવા માટે

પૌષ્ટિક લીલી ચટણી

પદ્ધતિ

- મગની દાળને સાફ કરી, ધોઈને જરૂરી પાણીમાં ૩ થી ૪ કલાક પલાળી રાખો.
- તે પછી તેને નીતારી મિક્સરમાં ૧/૪ કપ પાણી સાથે મિક્સ કરી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં ફૂલકોબીના પાન, લીલા મરચાંની પેસ્ટ, જીરૂં અને - મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે એક અપ્પે પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં ૧ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
- તે પછી અપ્પેના દરેક બીબામાં ૧ ટેબલસ્પૂન જેટલું ખીરૂં રેડી તેને ઢાંકણ વડે ઢાંકી મધ્યમ તાપ પર તેની બહારની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી દરેક અપ્પેને ફોર્ક (fork) વડે પલટાવી તેની બીજી બાજુ પણ રાંધી લો. અપ્પેના ૬ બીબામાં તમે એક સાથે ૬ અપ્પે તૈયાર કરી શકશો.
- રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૬ અપ્પે તૈયાર કરો.
- પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.