Advertisement

  • રેસીપી - ઝટપટ બનતા ઓટસ્ મટર ઢોસા

રેસીપી - ઝટપટ બનતા ઓટસ્ મટર ઢોસા

By: Jhanvi Mon, 02 Apr 2018 6:47 PM

રેસીપી - ઝટપટ બનતા ઓટસ્ મટર ઢોસા

આ ઝટપટ બનતા ઢોસાનો ખીરો ઊર્જા, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર છે. ઓટસ્ માં સોલ્યુબલ ફાઈબર – “બીટા ગ્લુકન” ની માત્રા અધિક હોય છે અને તે માટે આપણે ઓટસ્ નું સેવન દરરોજ કરવું જોઈએ. અડદની દાળ અને ગાજરનો ઉમેરો આ ઢોસામાં પ્રોટીન અને વિટામીન-એ નો પણ ઉમેરો કરે છે. તો ઝટપટ બનાવો આ ઢોસા અને તમારી મનપસંદ ચટણી સાથે પીરસો.

સામગ્રી

ઢોસાના ખીરા માટે
૧ કપ ક્વીક કુકીંગ રોલ્ડ ઓટસ્
૧/૪ કપ અડદની દાળ
મીઠું , સ્વાદાનુસાર

પૂરણ માટે
૧ ૧/૨ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન રાઈ
૧ લીલો મરચો , ચીરી પાડેલો
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૪ કપ અર્ધ-ઉકાળેલા લીલા વટાણા
મીઠુ , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન લીંબૂનો રસ
૨ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
ચટણી

વિધિ

ઢોસાના ખીરા માટે

1. ઓટસ્, અડદની દાળ અને મીઠું મિક્સ કરી મિક્સરમાં ફેરવીને ઝીણું પાવડર તૈયાર કરો.
2. પછી તેમાં ૧ ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું નરમ ખીરૂં તૈયાર કરીને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.
3. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ અને લીલા મરચાં ઉમેરો.
4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ કાંદા અર્ધ-પારદર્શક બને ત્યાં સુધી સાંતળી લો.
5. પછી તેમાં ગાજર અને લીલા વટાણા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
6. પછી તેમાં મીઠું, ચાટ મસાલો અને મરચાં પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
7. છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી રાંધી લો.
8. આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
9. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ સારી રીતે ચોપડી લો.
10. તે પછી તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી ચમચા વડે તેને ગોળ ફેરવી ગોળ ઢોસો તૈયાર કરો.
11. આ ઢોસાની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન જેટલું તેલ રેડી મધ્યમ તાપ પર ઢોસો હલકા બ્રાઉન રંગનો બને ત્યાં સુધી રાંધી લો.
12. આમ તૈયાર થયેલા ઢોસાની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી, ઢોસાને વાળી લો.
13. આ જ રીતે બાકી રહેલા ખીરા વડે ઢોસા તૈયાર કરી લો.
14. તમારી મન ગમતી ચટણી સાથે તરત જ પીરસો.