Advertisement

  • રેસીપી- ઉનાળામાં સૌની પસંદ એવી ચોકલેટ આઇસક્રીમ

રેસીપી- ઉનાળામાં સૌની પસંદ એવી ચોકલેટ આઇસક્રીમ

By: Jhanvi Thu, 29 Mar 2018 00:59 AM

રેસીપી- ઉનાળામાં સૌની પસંદ એવી ચોકલેટ આઇસક્રીમ

તાજા ક્રીમ અને દૂધ વડે બનતી આ ચોકલેટ આઇસક્રીમ એવી મજેદાર તૈયાર થાય છે. કે આવી સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા તમે આગળ ક્યારેય માણી નહીં હોય. આ આઇસક્રીમ એવી ઉત્તમ બને છે કે બજારમાં મળતી તૈયાર આઇસક્રીમની સરખામણીમાં સારી છે એવું તમે ચોક્કસ કહેશો. ડાર્ક ચોકલેટનો સ્વાદ જ એવો હોય છે. કે જે લાંબો સમય યાદ રહે અને તેમાં મેળવેલું વેનીલાનું એસન્સ તેને એવી સ્વાદિષ્ટ બનાવે છે. કે તમારી ડીશ ક્યારે ખાલી થઇ ગઇ તેનો તમને ખ્યાલ પણ નહીં રહે.

સામગ્રી

૧ કપ ખમણેલી ડાર્ક ચોકલેટ
૨ ૧/૨ કપ દૂધ
૧/૨ કપ સાકર
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૧/૨ કપ તાજું ક્રીમ
થોડા ટીપા વેનીલાનું એસન્સ

વિધિ
1. એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને બાજુ પર રાખો.
2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ચોકલેટ અને ૧/૨ કપ દૂધ મેળવી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી ગરમ કરી લીધા પછી તેને બાજુ પર રાખો.
3. બીજા પહોળા નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલા ૨ કપ દૂધમાં સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.
4. પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.
5. તે પછી તેમાં તૈયાર કરેલું ચોકલેટનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડું થવા દો.
6. જ્યારે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં તાજું ક્રીમ અને વેનીલા એસન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
7. આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનયમના વાસણમાં રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
8. તે પછી આ મિશ્રણને મિક્સરમાં ફેરવી સુંવાળું બનાવી લો.
9. હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.
10. સ્કુપ વડે કાઢીને પીરસો.