Advertisement

  • રેસીપી - ઘઉંનો લોટ, ગાજર અને કિસમિસના મફિન્સ

રેસીપી - ઘઉંનો લોટ, ગાજર અને કિસમિસના મફિન્સ

By: Jhanvi Wed, 11 July 2018 06:56 AM

રેસીપી - ઘઉંનો લોટ, ગાજર અને કિસમિસના મફિન્સ

દેખાવમાં અતિ સુંદર, સ્વાદિષ્ટ આ મફિન્સમાં ગાજર તેને મજેદાર રંગની રોનક આપી અત્યંત આર્કષક બનાવે છે, જ્યારે તેમાં મેળવેલી કિસમિસ દરેક કોળિયે તમને રસદાર આનંદ આપે છે. ઘઉંનો લોટ અને ઘઉંનું થૂલું ઉમેરવાથી મફિન્સની રચના, તેની મજેદાર સુગંધ અને પૌષ્ટિક્તામાં વધારો થાય છે. અહીં ધ્યાન રાખવાનું છે કે મફિન્સમાં બ્રાઉન સુગરનો ઉપયોગ કરવો જેથી તેને બેક કરતી વખતે મધુર સુગંધ ફેલાસે અને વેનીલાનો સ્વાદ પણ તેમાં બરોબર ભળી જાય છે. જો તમે આ ઘઉંનો લોટ, ગાજર અને કિસમિસના મફિન્સ નાના ભુલકાઓ માટે બનાવતા હો તો તમે તેમાં મોલ્ડના બદલે કાગળના કપનો ઉપયોગ કરવો.
સામગ્રી

૧/૪ કપ ઘઉંનો લોટ
૨ ટેબલસ્પૂન જાડા ખમણેલા ગાજર
૧/૪ કપ કિસમિસ
૧/૨ કપ મેંદો
૨ ટેબલસ્પૂન ઘઉંનું થૂલું
૧ ટીસ્પૂન બેકિંગ પાવડર
૪ ટીસ્પૂન પીગળાવેલું માખણ
૩/૪ કપ દૂધ
૫ ટેબલસ્પૂન બ્રાઉન શુગર
૧ ટીસ્પૂન વેનીલાનું ઍસેન્સ
૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા

ટોપીંગ માટે

૨ ટેબલસ્પૂન બ્રાઉન શુગર
૯ કિસમિસ

વિધિ


- એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, ઘઉંનું થૂલું, કિસમિસ, ગાજર અને બેકિંગ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- બીજા એક ઊંડા બાઉલમાં માખણ, દૂધ, બ્રાઉન શુગર અને વેનીલા ઍસેન્સ ભેગા કરી લો.
- હવે તેમાં તૈયાર થયેલું લોટનું મિશ્રણ મેળવી લાકડાના ચમચા વડે અથવા ચપટા ચમચા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેમાં ખાવાની સોડા હળવેથી મેળવી લો.
- હવે મફિન ટ્રે ના ૯ મોલ્ડમાં ૯ પેપર કપ મૂકી દો.
- તે પછી દરેક મફિન મોલ્ડમાં ૧ ૧/૨ ચમચા જેટલું ખીરૂં રેડો.
- તે પછી દરેક મફિન મોલ્ડ પર થોડી બ્રાઉન શુગર છાંટી તેની મધ્યમાં ૧ કિસમિસ મૂકો.
- આમ તૈયાર થયેલી ટ્રે ને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે)ના તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા મફિનમાં ટુથપીક ખોસી સહેલાઇથી કાઢી શકાય એવું તૈયાર થાય ત્યાં સુધી બેક કરી લો.
- તેને થોડા ઠંડા પાડીને પીરસો.