Advertisement

  • રેસીપી -પાલક અને ફૂદીનાનું આરોગ્યવર્ધક જ્યુસ

રેસીપી -પાલક અને ફૂદીનાનું આરોગ્યવર્ધક જ્યુસ

By: Jhanvi Tue, 27 Mar 2018 3:41 PM

રેસીપી -પાલક અને ફૂદીનાનું આરોગ્યવર્ધક જ્યુસ

દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખી તેની શુધ્ધિ કરવા માટે આ જ્યુસ આર્દશ ગણાય એવું છે. લીંબુના રસનો ઉમેરો આ જ્યુસના લીલા રંગને જાળવી રાખીને તેમાં રહેલા લોહનું શોષણ વધારવામાં પણ મદદ કરે છે.

અહીં વાપરેલી લીલી શાકભાજી અને જલજીરાનું પાવડર તમારા પાચનતંત્રને ઉતેજ્જિત કરવા માટે અને ઓછા થયેલા ખનિજ તત્વને વધારવામાં પણ મદદરૂપ થાય છે. તે ઉપરાંત ફૂદીનામાં રહેલું તેલ પણ પાચનશક્તિ વધારવામાં ઉપયોગી થાય છે.

આ પાલક અને ફૂદીનાના જ્યુસનું સેવન દરરોજ સવારના ખાલી પેટે જ કરવું. ખાસ ધ્યાન રાખવું કે આ જ્યુસ પીધા પછી તરત જ કંઇ ખાવું નહીં જેથી આ જ્યુસ તમારા શરીરનો અપચો દૂર કરી પોતાનું સામર્થ્ય સિધ્ધ કરી શકે.

સામગ્રી

૨ કપ મોટી સમારેલી પાલક
૧/૨ કપ ઝીણા સમારેલા ફૂદીનાના પાન
૧/૪ કપ મોટી સમારેલી કોથમીર
૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન જલજીરા પાવડર
ભૂક્કો કરેલો બરફ


વિધિ

* એક જ્યુસરમાં પાલક, ફૂદીનાના પાન અને કોથમીર સાથે ૧/૨ કપ પાણી મેળવી જ્યુસ તૈયાર કરો.

* આ જ્યુસને ગરણી વડે ગાળી લો.

* હવે તેમાં લીંબુનો રસ અને જલજીરા પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

* હવે ૨ ગ્લાસમાં ભૂક્કો કરેલો બરફ મૂકી, તેની પર આ તૈયાર કરેલું જ્યુસ સરખા પ્રમાણમાં રેડી લો.

* તરત જ પીરસો.