રેસીપી - એક સ્વાદિષ્ટ અને મજેદાર વાનગી બટાટાની ચીપ્સ્ નું શાક

બટાટાની ચીપ્સ્ નું શાક એક એવી અલગ અને મજેદાર વાનગી છે જે થોડી કરકરી છે ને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ છે, જેથી આ વાનગી તમને જરૂર થી ભાવશે. અહીં તળેલા બટાટાને સાંતળેલા કાજૂ, સુગંધીદાર તેલીબીયા અને મસાલા સાથે મિક્સ કરવામાં આવ્યા છે જે રોટી, પૂરી અથવા ગરમા ગરમ ભાત સાથે મજેદાર સંયોજન બનાવે છે. તમને અહીં થોડા સાવચેત કરી દઇએ કે જો તમે રોટી બનાવવામાં થોડો પણ વિલંબ કરશો તો આ શાક તેથી પહેલાં જ પૂરું થઇ જશે એવું સ્વાદિષ્ટ તૈયાર થાય છે. આમતો આ ગુજરાતી વાનગીમાં મજેદાર સ્વાદ, ખુશ્બુ અને થોડો કરકરો અહેસાસ આપવાનો શ્રેય જાય છે તલ, ખસખસ અને જીરાને. આ શાકમાં તળેલા બટાટા નરમ પડે તે પહેલાં જ તેને ગરમ ગરમ પીરસી લો.

સામગ્રી

બટાટાની ચીપ્સ્ માટે
૩ કપ બટાટા , લાંબી ચીરી કરેલા
તેલ , તળવા માટે

બીજી જરૂરી વસ્તુઓ
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ખસખસ
૧ ટીસ્પૂન તલ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન સાકર
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર

વિધિ

બટાટાની ચીપ્સ્ માટે

1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં બટાટાની લાંબી ચીરીઓ એક સમયે થોડી-થોડી લઇને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

2. તે પછી તેને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકી થવા દો.

આગળની રીત


1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાજૂ નાંખી, મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે સાંતળી લો.

2. તે પછી તેમાં જીરૂ, ખસખસ, તલ, હળદર અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.

3. તે પછી તેમાં તળેલા બટાટાની ચીપ્સ્, સાકર, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તળી લો.

4. તરત જ પીરસો.
Share this article