રેસીપી – ચોમાસામાં આજે જ ઘરે બનાવો મકાઇના રોલ

આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે. કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે. અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો.

સામગ્રી

૧૨ તાજા બ્રેડની સ્લાઇસ

પૂરણ માટે

૧ કપ અર્ધ-કચરેલા મકાઇના દાણા
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન સોયા સૉસ
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
૩ ટેબલસ્પૂન મેંદો
તેલ , તળવા માટે

પીરસવા માટે

શેઝવાન સૉસ
ટમૅટો કેચપ

પદ્ધતિ

પૂરણ માટે

એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
તે પછી તેમાં મકાઇના દાણા, સોયા સૉસ, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા મિશ્રણ સૂકું બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
આમ તૈયાર થયેલા મિશ્રણને ઠંડું થવા બાજુ પર રાખો.

આગળની રીત

- એક બાઉલમાં મેંદા સાથે લગભગ ૫ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી, તેને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- બધા બ્રેડની સ્લાઇસની દરેક બાજુઓ કાપી લો.
- હવે દરેક બ્રેડની સ્લાઇસને વેલણની મદદથી હલકા હાથે દબાવીને વણી લો.
- આમ તૈયાર કરેલી એક બ્રેડની સ્લાઇસને એક સાફ સ્વચ્છ સૂકી જગ્યા પર મૂકી, તેની એક તરફ એક ટેબલસ્પૂન તૈયાર કરેલું પૂરણ મૂકી બ્રેડને ટાઈટ રોલ કરી લો.
- આમ તૈયાર થયેલા રોલની અંતની બાજુએ મેંદાના લોટનું મિશ્રણ લગાડી બ્રેડની બાજુને સંપૂર્ણ રીતે બંધ કરી લો.
- રીત ક્રમાંક ૪ અને ૫ મુજબ બીજા ૧૧ રોલ તૈયાર કરો.
- હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા રોલ મેળવી મધ્યમ તાપ પર રોલ - દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકા થવા દો.
- દરેક રોલના ત્રાંસી રીતે બે ટુકડા કરી તરત જ શેઝવાન સૉસ અથવા ટમૅટો કેચપ સાથે પીરસો.
Share this article