રેસીપી - વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવો ભાતના પૅનકેક

પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ખીરામાંથી ભાતના પૅનકેક બને છે. તેમાં ઉમેરાયેલા શાકને કારણે તે કરકરા અને પૌષ્ટિક બને છે જ્યારે લીલા મરચાં અને કોથમીર તેને ચટાકેદાર બનાવે છે. કોથમીર અને લીલી લસણની ચટણી સાથે સવારના નાસ્તામાં ખાઓ અને તમે કલાકો માટે તૃપ્ત રહેશો.
સામગ્રી

૨ કપ આગલા દિવસના વધેલા ભાત
૫ ટેબલસ્પૂન ખમણેલા ગાજર
૫ ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
૧/૨ કપ પાતળી લાંબી કાપેલી કોબી
૧/૪ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ ચણાનો લોટ
૧/૨ ટીસ્પૂન હળદર
૧/૪ ટીસ્પૂન હીંગ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
૫ ૧/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે


કોથમીર અને લીલી લસણની ચટણી


પદ્ધતિ
- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી મેળવી, રેડી શકાય તેવું ખીરૂ બનાવો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
- તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમચા વડે ગોળ ફેરવીને ગોળાકાર બનાવો.
- હવે પૅનકેકને બન્ને બાજુએથી, ૧/૨ ટીસ્પૂન તેલની મદદથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- હવે બાકીની ૯ પૅનકેક રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવી લો.
- કોથમીર અને લીલી લસણની ચટણીની સાથે ગરમ ગરમ પીરસો.
Share this article