રેસીપી- હેલ્થી બ્રેકફાસ્ટ રેસીપી બ્રોકન વીટ ઉપમા

બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે છે. જ્યારે ગાજર અને લીલા વટાણા વિપુલ પ્રમાણમાં પૌષ્ટિક્તા બક્ષે છે. ખાસ કરીને વિટામિન એ. સામાન્ય રીતે નરમ રહેતા ઉપમા, તેમાં શાકભાજી ઉમેરવાથી કરકરા બને છે. તમે તમારી પસંદગી પ્રમાણે બીજા શાકો પણ ઉમેરી શકો છો જેથી તે વધુ રંગીન અને સ્વાદિષ્ટ બને.

સામગ્રી
૧/૨ કપ ફાડા ઘઉં
૨ ટીસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન રાઇ
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ કપ સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન ખમણેલું આદૂ
૧/૪ કપ લીલા વટાણા
૧/૪ કપ સમારેલા ગાજર
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

વિધિ
1. ફાડા ઘઉંને સારી રીતે સાફ કરી ધોઇ નાંખો. હવે ફાડા ઘઉંને ૨ કપ ગરમ પાણીમાં ૩ થી ૪ મિનિટ સુધી અર્ધકચરા ઉકાળી લો. નીતારીને બાજુ પર રાખો.
2. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
3. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
4. હવે તેમાં કાંદા અને આદૂ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
5. હવે તેમાં લીલા વટાણા અને ગાજર ઊમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
6. હવે તેમાં ફાડા ઘઉં, મીઠું અને ૧ ૧/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરમાં ૨ સીટી વાગે ત્યાં સુધી રાંધી લો.
7. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની અંદરની વરાળ નીકળી જવા દો.
8. હવે તેને કોથમીર વડે સજાવી તેને થોડું ઠંડું થવા બાજુ પર રાખો.


Share this article