રેસીપી - ચટાકેદાર મેથીયા કેરીનું અથાણું

ઉનાળો આવે એટલે અથાણા બનાવવાનો સમય આવે! તો આ ચટાકેદાર મેથીયા કેરીનું અથાણું બનાવવાની તક ચુક્તા નહીં. તાજી કાચી કેરી અને વિશેષ અને તાજા મિક્સ મસાલા વડે બનાવેલું આ એક એવું અથાણું છે જે તમારા કોઇપણ જાતના જમણને લહેજત આપશે. પરંતુ તેને બનાવવામાં તમે ઉતાવળ નહીં કરતાં. તેને બનાવવાની દરેક પદ્ધતિ પૂર્ણ રીતે અનુસરજો અને ખાતરી કરજો કે કેરી બરોબર તડકામાં અથવા પંખા નીચે બરોબર સૂકાઈ ગઇ છે, નહીંતર અથાણું બનાવ્યાના થોડા દિવસોમાં કેરી પોચી પડી જશે અને અથાણું લાંબો સમય સુધી ટકશે પણ નહીં.

તો આ રીતે, તાજા બનાવેલા અથાણાને રેફ્રીજરેટરમાં સંગ્રહ કરવા પહેલા, રૂમ તાપમાન પર હવાબંધ બરણીમાં પૅક કરી બે દિવસ રાખો, જેથી કેરીને તેલ અને મસાલામાં બરોબર મિક્સ થવાનો સમય મળે. આ પારંપારિક પદ્ધતિથી તમારું અથાણું ચોક્કસપણે બહુ સરસ બનશે.

આ પ્રખ્યાત ગુજરાતી અથાણું કોઇપણ ભારતીય જમણ સાથે પીરસી શકાય છે અને ખાખરા, થેપલા અને પરાઠા સાથે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

સામગ્રી

કાચી કેરી માટે

૧ ૧/૨ કપ કાચી કેરીના ટુકડા
૨ ટેબલસ્પૂન આખું મીઠું
૧/૪ ટીસ્પૂન હળદર

બીજી સામગ્રી
૩/૪ કપ રાઇનું તેલ
૧/૪ કપ મેથીના કુરિયા
૧/૪ કપ રાઇના કુરિયા
૧/૨ કપ આખું મીઠું
૫ ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૨ ટીસ્પૂન હળદર

વિધિ

1. એક બાઉલમાં કાચી કેરી, આખું મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી ઢાંકણથી ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો. હવે કેરીને નીચવીને પાણી કાઢી નાંખો.

2. હવે એક મોટી સપાટ પ્લેટ પર મલમલનું કપડું મૂકી તેની પર કેરીના ટુકડા સરખી રીતે પાથરી તેને ૧ કલાક માટે પંખા નીચે અથવા તડકામાં સૂકી કરીને બાજુ પર રાખો.

આગળની રીત

1. એક નાના પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલને ઊંચા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેલની સુગંધ આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે તેને ઠંડું થવા દો.

2. હવે એક ઊંડા બાઉલમાં બધી બાકીની સામગ્રી ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.

3. હવે સૂકવેલા કેરીના ટુકડા આ મિશ્રણમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

4. હવે રાઇનું તેલ કાચી કેરીના મિશ્રણ પર રેડો અને સારી રીતે મિક્સ કરી લો.

5. આ તૈયાર થયેલા અથાણાને હવાબંધ બરણીમાં પૅક કરી રૂમ તાપમાન પર ૨ દિવસ સુધી રાખી મૂકો અને પછી તેનો સંગ્રહ રેફ્રીજરેટરમાં કરવો.
Share this article